અનુભવી હંસે યુવાન હંસોને મુશ્કેલીમાંથી ઉગાર્યા

09/06/2012 18:53

 

જં ગલમાં એક ઊંચા શીમળાના ઝાડ પર હંસોનું એક ટોળું રહેતું હતું. આ ટોળાંમાં એક વડીલ હંસ અને બાકીના યુવાન હંસો હતા. વડીલ હંસ અનુભવી અને બુદ્ધિમાન હતો. એક દિવસ તેણે આ શીમળાના વૃક્ષની નીચે થડમાં એક વેલને ઊગેલી જોઈ. આ વેલને અન્ય યુવાન હંસોને બતાવવા એણે કહ્યું કે, "આ વેલ હજુ કૂણી છે ત્યાં જ તેનો નાશ કરવો જોઈએ. એ થડને વીંટળાઈને મજબૂત થશે અને પછી કોઈક શિકારી તેના ટેકે ઉપર આપણા સુધી પહોંચી શકે છે." કેટલાક યુવાન હંસોએ વૃદ્ધ હંસની આ સલાહને નાહકની ચિંતા ગણીને હસી કાઢી. યુવાન હંસોની દલીલ હતી કે અત્યારથી એની શું ફિકર કરવાની? વેલ મોટી થશે ત્યારની વાત ત્યારે એમ કહીને તેમણે આ સલાહને હસી કાઢી. ધીરે ધીરે વેલ મોટી થતી ચાલી અને હવે તો શીમળાના થડને બરાબર વીંટળાઈને છેક ઊંચે સુધી પહોંચી ગઈ હતી. હંસો અહીં રહે છે તેની એક શિકારીને ખબર હતી. વેલનો સહારો ન હતો ત્યારે તે ઊંચે સુધી પહોંચી શકે તેમ ન હતો,પણ હવે વેલનો બરાબરનો સહારો મળી શકે તેમ હોવાથી મોકાનો લાભ લઈને એક દિવસ હંસોનું ટોળું ચારો ચરવા ગયું હતું ત્યારે શિકારી વેલના ટેકે ઝાડની ટોચે પહોંચી ગયો અને જાળ ફેલાવીને ચાલ્યો ગયો.

હંસો પાછા ફર્યા અને ઝાડ પર ઊતર્યા કે તરત જ જાળમાં ફસાઈ ગયા. બધા હંસોએ ચીસાચીસ કરી મૂકી. વૃદ્ધ હંસે કહ્યું કે, "મેં તમને વેલો ઉખેડી કાઢવાની સલાહ આપી ત્યારે તમે તે માની નહીં અને આજે એ જ વેલાના સહારે કોઈક શિકારી આપણા સુધી પહોંચ્યો છે. હવે ચીસાચીસ કરવાથી કશું વળવાનું નથી, એટલે હજુ સમય છે હું કહું તેમ કરશો તો બધા બચી શકીએ તેમ છીએ." બધા યુવાન હંસોએ રડમસ અવાજે તેની વાત માનવાની તૈયારી બતાવી એટલે પેલા અનુભવી વડીલ હંસે બધાને સમજાવતા કહ્યું કે, "શિકારી અહીં આવે એટલે બધા જાણે મૃત્યુ પામ્યા હોય એ રીતે પડયા રહેવાનું. શિકારી એક પછી એક બધાને ચકાસશે અને જ્યારે બધા મૃત્યુ પામ્યા છે એવું માનીને તે બધાને નીચે ફેંકી દે પછી એકસાથે ઊડી જવાનું."

વડીલ હંસે સમજાવ્યા પ્રમાણે જ બધાએ કર્યું. શિકારીએ જાળમાંથી એક પછી એક બધા હંસોને બહાર કાઢયા અને મૃત થયેલા માનીને નીચે ફેંકી દીધા. શિકારી જાળ લઈને નીચે ઊતરતો હતો ત્યારે પેલા અનુભવી હંસે બધાને કહ્યું કે, "હવે ઊડી જાઓ!" તમામ હંસો એકસાથે ઊડી ગયા અને શિકારી તેમને જોતો જ રહી ગયો. આ ઘટના પછી બધા હંસોએ પેલા વડીલ હંસનો આભાર માન્યો.