પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?

19/06/2012 16:05

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?
માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે,
પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ???
પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે,
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
કેટલાક લોકોએ પિતાની કલ્પનાને કલમની ભાષામાં મૂકી છે પણ તે
ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોય છે.
આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?????
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.
માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે.
અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણ કે,
દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે ને !!!!! પણ શ્રેય તો હમેશા દીવાને જ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ????
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ
રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.
માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.
પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણ કે
નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે, પોતાની માતા મૃત્યુ પામે તો પણ
પિતા રડી શકતા નથી. કારણ કે, બહેનને આધાર આપવાનો હોય છે.
પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ
પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે
શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર
બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.
રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.